સહભાગી પુષ્ટિ પત્ર
કિસાન સ્વરાજ સંમેલન 2026 (પશ્ચિમ અને ઉત્તર ભારત)
લોકનિકેતન રતનપુર – જાન્યુઆરી 11-13, 2026
સહભાગી પુષ્ટિ પત્ર
તારીખ: ૩ જાન્યુઆરી, ૨૦૨૬
પ્રિય મિત્ર,
નમસ્તે. કિસાન સ્વરાજ સંમેલનમાં નોંધણી કરાવવા બદલ આભાર. આ પત્ર દ્વારા, અમે ૧૧-૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાનાર છઠ્ઠા કિસાન સ્વરાજ સંમેલન (પશ્ચિમ અને ઉત્તર ભારત માટે)માં તમારી ભાગીદારીની પુષ્ટિ કરીએ છીએ.
સંમેલનમાં પ્રદર્શન સ્ટોલ / ટેબલની નોંધણી કરાવનારાઓ માટે પણ આ પુષ્ટિ પત્ર છે. તમારા સ્ટોલની જગ્યા, વિસ્તાર વગેરે અંગેનો નિર્ણય અમારા સ્વયંસેવકો દ્વારા તમારી સાથે ફોન પર વાતચીત કર્યા પછી લેવામાં આવશે.
રતનપુરના લોકનિકેતન કેમ્પસમાં તમારું આગમન:
લોકનિકેતન એ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નઈ તાલીમ દ્વારા કેળવણી આપતી સંસ્થા છે જે મિશનરી ઉત્સાહ, અહિંસા અને બળજબરી વિનાના વ્યવહારની ભાવના સાથે, પ્રામાણિકતા, નમ્રતા અને નિર્ભયતા દ્વારા માનવતાને ફેલાવવાનું કામ કરે છે. લોકનિકેતનનું કેમ્પસ સ્વચ્છ, શાંત અને સુરૂચિપૂર્ણ છે, જે શિસ્તબદ્ધ વ્યવસ્થાથી ચાલે છે. આ સ્થળ પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશનથી અને પાલનપુર બસ ડેપોથી લગભગ 7 કિમી દૂર પાલનપુર-ખેરાલુ-અંબાજી હાઇવે પર આવેલું છે. તે અમદાવાદ એરપોર્ટ અને અમદાવાદ/સાબરમતી BG (SBIB) રેલ્વે સ્ટેશનથી લગભગ 150 કિમી દૂર છે, ત્યાંથી રસ્તા માર્ગે લગભગ 3.5 કલાક થશે.
સ્થળ સુધી પહોંચવું સરળ છે ! પાલનપુર બસ ડેપો/રેલ્વે સ્ટેશનથી સ્થળ સુધી પહોંચવા માટે ઓટોરિક્ષા દિવસના સમયે લગભગ રૂ. 150 થી 200 અને રાત્રે 8 પછી રૂ. 200 થી 250 ચાર્જ લેશે. શેરિંગમાં એ રકમ વધુમાં વધુ 5 બેસનાર વચ્ચે વહેંચાઈ જાય. લોકેશન લીંક: https://tinyurl.com/Lok-Niketan-Location
તા 10મીએ સાંજે 4 થી 10 વાગ્યા સુધી અને 11મીએ સવારે 5 થી 11 વાગ્યા સુધી નીચેની વિગત પ્રમાણે રિસેપ્શન બૂથ હશે કે બેનર લઈને કોઈ બેઠું હશે.
પાલનપુરનો નવો બસ ડેપો: પૂછપરછની બારી પાસે સરદાર સોડા સેન્ટર : સંપર્ક નં : 98797 06194
પાલનપુર (PNU) રેલ્વે સ્ટેશન: ટિકિટ બારી પાસેના પાર્કિંગ લોટમાં
સંપર્ક નં : 96018 01288 અને 63781 58001
પાલનપુર અથવા અમદાવાદ પહોંચ્યા પછી કોઈપણ વાસ્તવિક વધારાના પ્રશ્નો માટે કે અણધારી પરિસ્થિતિમાં, આપ 9427029431 ઉપર મહેન્દ્રભાઈનો સંપર્ક કરી શકો છો. કૃપા કરીને જે માહિતી અહીં આપી જ દીધી છે, તે માટે ફોન કરશો નહીં.
નિવાસ વ્યવસ્થા :
બધા સહભાગીઓને લોકનિકેતન કેમ્પસમાં જ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. તે અત્યંત સાદી, કોમન બાથરૂમ/શૌચાલયવાળી ડોરમેટરીમાં હશે. જેઓ પાલનપુરમાં રહેવાનું પસંદ કરવા માંગતા હોય તેઓ ઓનલાઈન યોગ્ય હોટલ શોધીને પોતાના ખર્ચે પોતાની વ્યવસ્થા કરી શકે છે. આયોજકો આ બાબતે કોઈ સહાય પૂરી પાડી શકે તેમ નથી.
સાથે લાવવાની ચીજો :
ગરમ કપડાં : રતનપુરમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 27 ડિગ્રી સે. રહેવાની ધારણા છે , જ્યારે રાત્રે તાપમાન 9 ડિગ્રી સે. સુધી ઘટી શકે છે. કૃપા કરીને તમારી સાથે ઊનના કપડાં લાવજો, ખાસ કરીને રાત્રિના સમયે તો જોઈશે જ.
છત્રી/રેઈનકોટ : વરસાદની લગભગ કોઈ શક્યતા નથી, પરંતુ છેલ્લા ત્રણ સંમેલનોમાં આપણને વરસાદ રૂપે આશીર્વાદ મળતાં જ રહ્યા છે.
ચાદર અને અને ગરમ શાલ : આપને પલંગ, ગાદલું, ઓશિકું, ચાદર, સુતરાઉ ચોરસો અને ગરમ ધાબળો અપાશે. જોકે, વ્યક્તિગત શૂચિતા માટે કૃપા કરીને આપ એક ચાદર અને શાલ જેવું ગરમ ઓઢવાનું લાવો તો સારું.
વ્યક્તિગત સામગ્રી અને દવાઓ : તમારી અંગત વસ્તુઓ જેવીકે, ટુવાલ, સાબુ, મચ્છર માટે ક્રીમ, ટૂથબ્રશ-પેસ્ટ, દવાઓ વગેરે.
અગાઉથી બનાવેલ કાપડના બેનર: જો તમારી સંસ્થાનું કાપડનું બેનર તમારી પાસે પહેલેથી જ હોય તો દોરી સાથે લાવશો. તેને પ્રદર્શિત કરવા માટે પૂરતી જગ્યા હશે.
નોટબુક અને પેન : આશાના કાર્યક્રમોમાં નોટબુક કે પેન વહેંચવામાં આવતી નથી.
તમારા સામાન/રૂમ માટે તાળું: કૃપા કરીને ઘરેણાં, કેમેરા વગેરે જેવી કિંમતી વસ્તુઓ લાવશો નહીં. અન્યથા તાળું લાવશો.
ટોર્ચ જરૂરી છે : બાથરૂમ અને શૌચાલય નિવાસ સ્થાનથી થોડે દૂર આવેલાં છે જેથી ટોર્ચ ખરેખર મદદરૂપ થશે.
નોંધણી ડેસ્ક : કૃપા કરીને તમારો નોંધણી નંબર (જે બુકિંગ સમયે આપેલ છે) હાથવગો રાખશો. સ્થળ પર અનાજ સ્વરૂપે અથવા ચેક દ્વારા નોંધણી શુલ્ક ચૂકવનાર માટે એક અલગ નોંધણી ટેબલ હશે. નોંધણી કીટમાં તમને કાર્યક્રમના સમયપત્રક અને ભોજન કૂપન અપાશે.
તમારા રસના સમાંતર સત્ર વિષયો : સમાંતર સત્રના 8 વિષયો પર ચર્ચા નોંધો https://drive.google.com/drive/folders/1G02zfOQOwhZqEEHXuuocVwoZF8tKiVMc?usp=sharing પર હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં સોફ્ટ કોપી રૂપે તરીકે ઉપલબ્ધ થશે. કાગળ બચાવવા અમે તમને સોફ્ટ કોપીનો ઉપયોગ કરવાની વિનંતી કરીએ છીએ.
સંમેલન દરમિયાન :
કાર્યક્રમ સમયપત્રક : સંમેલનના કાર્યક્રમ સમયપત્રકનું લગભગ અંતિમ સ્વરૂપ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં https://kisanswaraj.in/kisan-swaraj-sammelan-2026/ પર ઉપલબ્ધ છે. તમે જોશો કે સંમેલનનો કાર્યક્રમ રસપ્રદ છે, જેમાં એક જ સમયે અનેક સમાંતર કાર્યક્રમો ચાલતાં હશે. કૃપા કરીને સમાંતર સત્રો દરમિયાન તમે ક્યાં રહેવા માંગો છો તે નક્કી કરી રાખજો! સંમેલનમાં ઘણા નિષ્ણાતો હાજર રહેવાના છે, જેમણે વર્ષોથી “કિસાન સ્વરાજ” માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અમને આશા છે કે આપણે બધા સંવાદ માટેની આ તકનો લાભ લઈશું.
સંદેશા વ્યવહારનું માધ્યમ : સંમેલનની કાર્યવાહી હિન્દીમાં ચાલશે. તમારા રાજ્યના એવા લોકોને અગાઉથી શોધી કાઢશો કે જે જરૂર પડ્યે અનુવાદમાં મદદ કરી શકે. સમાંતર સત્રો દરમિયાન, નાના જૂથમાં સીધા અનુવાદ થવાની શક્યતા છે.
પ્રતિબંધ : કોઈપણ પ્રકારના તમાકુ અને દારૂના સેવન પર સખત પ્રતિબંધ છે.
સ્વચ્છતા : અમે સંમેલનને શક્ય તેટલું કચરા-મુક્ત, પ્લાસ્ટિક-મુક્ત બનાવવાનું આયોજન કરી રહ્યા છીએ. તેમાં સહકાર આપશો. કૃપા કરીને ભોજન પછી તમારા વાસણો જાતે માંજતી વખતે પાણી કરકસરથી વાપરશો.
તમારો ગ્લાસ પાછો આપવો : નોંધણી કીટમાં, અમે એક ગ્લાસ મૂક્યો હશે, જે આપણે ફરાસખાનાવાળા પાસેથી ભાડે લીધો છે. તમને વિનંતી છે કે તે ત્રણ દિવસ વાપરીને જતી વખતે પાછો આપશો.
સમાંતર સત્રો દરમિયાન શાંતિ : આ સત્રો એકબીજાની બાજુમાં યોજાવાના હોવાથી, અમે બધા સહભાગીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ મોટેથી વાતચીત કરવાથી અન્ય સત્રોમાં થતી ખલેલ પ્રત્યે સંવેદનશીલ રહે.
૧૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાંજે ૬ વાગ્યા પહેલાં આગમન અને ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ સાંજે ૬ વાગ્યા પછી
પ્રસ્થાન:
સહભાગીઓએ 10 જાન્યુઆરીની સાંજે પહોંચવું અને 13 જાન્યુઆરીના રોજ સાંજે 6 વાગ્યા પહેલાં રવાના થવું અપેક્ષિત છે. જો તમારા આગમન અને પ્રસ્થાનનો સમય આથી અલગ હોય તો તમારે kisanswarajsammelan2026@gmail.com ઉપર લખીને આયોજકોને અગાઉથી જાણ કરવી જરૂરી છે.
અમારી મર્યાદા અને ઉત્સાહ :
સંમેલનની જાહેરાતને મળેલો પ્રતિસાદ અમને ઉત્સાહિત કરે છે અને ભારતમાં ખેડૂતો અને સજીવ ખેતી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુન:સ્થાપિત કરે છે. અલબત્ત એક સ્વૈચ્છિક અભિયાન તરીકે કેટલીક આંતરિક મર્યાદાઓને લીધે તમારામાંથી કેટલાકને વ્યવસ્થા સંદર્ભે થોડીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો દરગુજર કરશોજી. અમારી ખામીઓ તરફ નિ:સંકોચ ધ્યાન દોરશો તો આ નહીં તો આગામી સંમેલન માટે સુધારો કરવા માટે કામ લાગશે.
જેમાં ઘણા નાગરિકો આપણી ખાદ્ય વ્યવસ્થા અને ખેતીમાં સામાજિક સમાનતા, પર્યાવરણીય ટકાઉપણું અને આર્થિક ન્યાય માટે કામ કરી રહ્યા છે એવા એક વિશાળ પારિવારિક મેળાવડામાં ભાગ લેવા માટે આપ તૈયાર હોવ તો અને જો તમે તે માટેના પ્રયાસો અને વિકલ્પોની સામૂહિક ઉજવણી કરવા અને તેનો પ્રસાર કરવા તૈયાર હોવ, તો અમારું માનવું છે કે સંમેલન દરમિયાન પડનાર કોઈપણ મુશ્કેલી તમને મુશ્કેલી નહીં લાગે!
અમે આપ સૌને ખૂબ જ જલ્દી મળવા માટે આતુર છીએ.
આપની,
આયોજન ટૂકડી
છઠ્ઠું કિસાન સ્વરાજ સંમેલન